મહંત દિલીપદાસજી બન્યા ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ
સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા, એના પગલે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારે આજે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભીંતચિત્રોના વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીને તેમના પદેથી દુર કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજ સહિતના વિવિધ સંતો હાજર રહ્યા હતા જેમાં ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી મહારાજ અને ચૈતન્ય શંભુ મહારાજ જેવા સંતોની હાજરીમાં વિધિવત રીતે દિલીપદાસજી મહારાજની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં મોહનદાસજી મહારાજ અને રાજેન્દ્રગિરિ મહારાજની નિમણૂક કરવામાં આવી છે.