જોશીમઠમાં મેગા ડિમોલીશનઃ જોખમી ઈમારતો ઉતારી પડાશે
- જમીન ધસી પડતાં 678 મકાનો ક્ષતિગ્રસ્ત, અન્ય કોઈ પર્યાય નહીં હોવાથી તંત્રનો ડિમોલીશનનો નિર્ણય
- કેસની તત્કાલ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર, 16 જાન્યુ.એ સુનાવણી કરશે
ઉત્તરાખંડના કર્ણપ્રયાગ સ્થિત પવિત્ર જોશીમઠમાં તંત્ર દ્વારા મેગા ડિમોલીશનની તૈયારી થઈ ચુકી છે અને શરૂઆતમાં ધસી રહેલી બે હોટલોને ઉતારી પાડવા માટે બુલડોઝર સહિતનો સ્ટાફ તહેનાત કરી દેવામાં આવ્યો છે. ટૂંકમાં જ આ ડિમોલીશન શરૂ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં હિન્દુ ધર્મના આ ઐતિહાસિક જોશીમઠ વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી જમીન ધસી રહી હોવાથી 678 જેટલા મકાનોમાં તિરાડો પડી છે અને સમગ્ર વિસ્તાર જમીનમાં ધસી રહ્યો હોય તેવો અણસાર આવતાં તંત્ર સાબદું બન્યું છે.
જોશી પીઠના શંકરાચાર્ય દ્વારા આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તત્કાલ સુનાવણી કરવા વિનંતી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે આજે આ કેસ મુદ્દે કહ્યું કે આવા કેસ માટે લોકતાંત્રિક સંસ્થાઓ છે, સુનાવણી તા. 16મીના રોજ કરાશે. દરમિયાન તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જર્જરિત મકાનોમાંથી લોકોને ખસેડવાનું તેમજ આવી ઈમારતોને સાવચેતીપૂર્વક તોડી પાડવાનું કામ હાથ ધરી દેવાયું છે. તંત્ર દ્વારા 19 સ્થળોએ 213 રૂમોમાં 1191 લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરાઈ છે. જેથી જોશીમઠની જર્જરિત ઈમારતોમાંથી વિસ્થાપિત લોકોને ત્યાં ખસેડાશે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું આ જોશીમઠ શહેર સમુદ્રની સપાટીથી 6107 ફૂટની ઊંચાઈએ વસેલું છે અને અંદાજે 23 હજાર લોકો અહીં વસેલા છે. જોશીમઠને બદ્રીનાથ ધામનું મુખદ્વાર કહેવાય છે અને તે રીતે હિન્દુ ધર્મમાં જોશીમઠનું મહત્વ અનેકગણું છે. અલબત્ત ઘણાં સમયથી અહીં જમીન ધસવાનું શરૂ થયું છે અને સમગ્ર જોશીમઠને જોખમી વિસ્તાર જાહેર કરાયો છે. ત્યારે લોકોને સલામત રીતે ખસેડી જર્જરિત મકાનોને ઉતારી લેવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે.