November 22, 2024

પરપુરૂષ સાથે પ્રેમનો કરૂણ અંજામ, પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી

  • સુરતમાં રહેતાં શ્રમજીવીને વતનમાં રહેતી પત્નીના પ્રેમસંબંધ વિષે જાણ થઈ તો સપ્તાહ પૂર્વે જ સુરત લઈ આવ્યો હતો
  • પ્રેમીનો ફોન આવ્યો અને પત્ની સાથે વાત કરવા માંગ કરીઃ પત્નીએ પ્રેમીને ગાળો નહીં આપતાં પતિએ રહેંસી નાંખી

કહેવાય છે ને કે, ખોટાં કાર્યનો અંજામ હંમેશા કરૂણ જ આવે છે. આ જ વાતને સાબિત કરતો એક કિસ્સો સુરતના લસકાણામાં બન્યો છે. અનૈતિક સંબંધ ધરાવતી પત્નીએ તેના પ્રેમીને ગાળ આપવાનો ઇન્કાર કર્યા બાદ થયેલા ઝઘડામાં પથ્થરના ડમ્બલ્સ વડે માર માર્યા બાદ ગળે ટૂંપો આપી હત્યા કરી લાશને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધાની ચોંકાવનારી ઘટના બની હતી.
સુરતના લસકાણાના કળથીયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 3 ના ખાતા નં. 15 અને 16 ના રૂમ નં. 22 માં એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતો મૂળ મધ્યપ્રદેશનો વાતની 30 વર્ષીય કમલેશ કુનઇ કોલ તેના મોટા ભાઇ રમેશ કોલ, બનેવી મોતીલાલ કોલ અને ભાણેજ શીવમ કોલ સાથે રહે છે અને તેની પત્ની રાજકુમારી વતન ખાતે રહે છે. જે દરમિયાન કમલેશની પત્ની રાજકુમારીને મુન્ના કોલ નામના ઈસમ સાથે અનૈતિક સંબંધ હોવાની જાણ કમલેશને થતા અઠવાડિયા અગાઉ પત્ની અને 6 વર્ષની પુત્રીને સુરત ખાતે લઇ આવ્યો હતો. દરમિયાનમાં ગત રાતે સાડા અગિયાર વાગ્યાના અરસામાં મુન્નાનો ફોન કમલેશના મોબાઇલ પર આવ્યો હતો.
મુન્નાએ રાજકુમારી સાથે વાત કરાવવાનું કહેતા કમલેશે ફોન પત્નીને આપ્યો હતો અને કહ્યું હતું કે, તુમ મુન્ના કો ગાલી દો. પરંતુ તેની પત્ની રાજકુમારીએ ગાળ આપવાનો ઇન્કાર કરતા કમલેશે કસરત કરવા માટે પથ્થરનું બનાવેલું ડમ્બલ્સ તેણીને કપાળના ભાગે માર્યુ હતું અને ત્યાર બાદ કાપડના ટુકડા વડે ગળે ટુંપો આપી મારી નાંખ્યા બાદ ત્રીજા માળેની રહેણાંક રૂમની બારીમાંથી લાશ નીચે ફેંકી દીધી હતી. વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં લાશ અંગેની જાણ રૂમના વહીવટકર્તા ચેનારામ બીન્જારામ ચૌધરીને થતા તે દોડી આવ્યા હતા અને ઘટના અંગે સરથાણા પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિ કમલેશ કોલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો