November 21, 2024

નવસારીના જિલ્લા પુરવઠા અધિકારી લાંચ લેતાં ઝડપાયા

નવસારીના જિલ્લા પુરવઠા અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂ. 1 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડતાં ભ્રષ્ટ લાંચિયા અધિકારીઓમાં સોપો પડી ગયો છે. લાઈટ ડીઝલ ઓઈલ અને લુબ્રિકેન્ટનો વેપાર કરતાં એક વેપારી પાસેથી તેણે લાંચ માંગી હતી.
પ્રાપ્ત વિગતો એવી છે કે નવસારીના જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવ, પોતાની ટીમ સાથે તા. 8.9.2022ના રોજ નવસારી ગણદેવી રોડ પર ઈટાળવા ગામ સામે ચેકિંગમાં હતાં. દરમિયાન નવસારીમાં લાઈટ ડીઝલ ઓઈલ તેમજ લુબ્રિકેન્ટનો વેપાર કરતાં એક વેપારીની ટ્રક યાદવની ટીમે પકડી હતી. લાઈટ ડીઝલ ઓઈલ તેમજ લુબ્રિકેન્ટ ભરેલી આ ટાટા આઈશર ટ્રકના ચાલક પાસેથી યાદવની ટીમે લાઈસન્સ, બિલ સહિતના દસ્તાવેજો માંગ્યા હતાં અને તે પુરા પડાયા હતાં. તમામ દસ્તાવેજો ચેક કરીને યાદવની ટીમે ટ્રકને રવાના કરી હતી.
જો કે વેપારીને નજીકમાં સ્થિત રાજહંસ થીયેટરના પાર્કિંગમાં બોલાવી હેતુલક્ષી વાતચીત શરૂ કરી હતી. એટલું જ નહીં, રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હતી. વેપારી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. વેપારીની ફરિયાદને આધારે એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન. પી. ગોહિલના માર્ગદર્શનમાં, તાપી એસીબી મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એસ. ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં વેપારીના હસ્તે રૂ. 1 લાખની રોકડની લાંચ લેતાં નવસારી જિલ્લાના પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવ રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.
એન્ટી કરપ્શન બ્યુરોએ સ્થળ ઉપર જ તેમની અટકાયત કરી સંલગ્ન કાર્યવાહી હાથ ધરી છે. મોડી સાંજ સુધીમાં આ સમાચારો વાયુવેગે નવસારી તેમજ આસપાસના જિલ્લામાં ફરી વળ્યા હતાં અને તેને પગલે ભ્રષ્ટ લાંચિયા અધિકારીઓમાં ફફડાટની લાગણી ફરી વળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *