October 30, 2024

દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે હવે દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામા આવ્યું છે.
મંદિરના બહાર બોર્ડ મૂકાયું છે કે, ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલ હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરવા બેનરો મંદિરોમાં વિવિધ સ્થળે લગાવવામાં આવ્યા છે તેમજ સ્થાનીક તંત્ર, હોટેલ માલિકો, રીક્ષા ચાલકો તેમજ સ્થાનિક નાગરીકો પણ આવતા પ્રવાસીઓને આ નિર્ણય અંગે માહિતગાર કરવા અનુરોધ કરાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશની મનાઈનો નિયમ છે.તો શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક યુવક-યુવતીઓ ફેશનેબલ દેખાવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ થાય છે. પરિણામે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવી રહી હતી. દેશના અનેક મંદિરોમાં એવા નિયમો છે કે, જેમનું શરીર ૮૦ ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. તો વિવિધ મંદિરોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે. મંદિર સત્તાધારીઓ દ્વારા ભક્તોને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવે છે તેમ છતાં જો કોઈ ભાવિક મીની સ્કર્ટ કે બર્મુડા પહેરીને આવી જાય તો કેટલાક મંદિરોમાં પીતાંબર અને ધોતી તો મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *