November 23, 2024

દૂષિત પાણી મુદ્દે ખજૂરાવાડીમાં લોકરોષ, અસલમ સાયકલવાલાએ મનપાના કાન આમળ્યા

  • મહાનગરપાલિકાના નળમાં દૂષિત ઉપરાંત જીવાતવાળું પાણી આવતાં લોકોમાં ભારે રોષ
  • તાકીદે સમસ્યાનો નિકાલ નહીં આવે તો રોગચાળાની ભીતિ

સુરત મહાનગરપાલિકા જાહેરાતો તો મોટી મોટી કરે છે, પરંતુ વહીવટ મુદ્દે વારંવાર વિવાદમાં ઘેરાયેલી રહે છે. શહેરના કોટ વિસ્તાર વરિયાવી બજારનો ખજૂરાવાડી વિસ્તાર, કે જે અનેક એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી પગપાળા અંતરે જ આવેલો છે, ત્યાં પાલિકાના નળમાં દૂષિત પાણી સપ્લાય થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સવારે સપ્લાય થયેલા પાણી ગંદુ કલરયુક્ત, દુર્ગંધ મારતું હતું, ઉપરાંત તેમાં અળસિયા જેવી જીવાતો પણ જોવા મળી હતી, જેને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આ મુદ્દે મનપાના કાન આમળ્યા છે. તેમણે જણાવ્યું છે કે વિકાસના બણગાં ફૂંકતું ભાજપશાસિત સુરત મહાનગરપાલિકાનું સ્માર્ટ વહીવટી તંત્ર, કે જે પીવાનું શુદ્ધ પાણી આપવામાં પણ સાવ નિષ્ફળ ગયું છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મનપા અને ઝોનની મુખ્ય કચેરીની નજીકમાં જ વરિયાવી બજાર વોર્ડ નં. 12 ખજૂરાવાડીમાં સ્થાનિક અગ્રણી નાઝીમ પઠાણ (મો.નં. 96625 79657)ના મકાન સહિત અન્ય મિલકતોમાં મનપાના નળમાં શુક્રવારે સાંજે 7 વાગ્યે આવા દુષિત, જીવાતવાળા પાણીનો સપ્લાય આવ્યો છે.

સાયકલવાલાએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ પણ આ વિસ્તારમાં દૂષિત પાણી અંગે અનેક ફરિયાદો કરવામાં આવી હતી, જો કે ગઈકાલ સાંજ સુધી દૂષિત પાણીની સમસ્યા યથાવત્ રહી છે. જો તાકીદે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ રહેલી છે અને લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો