November 24, 2024

દિલ્હી સરકાર પ્રદૂષણ મુદ્દે લાચાર, અડધા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ

એર ક્વોલિટી સતત બદતર રહેતાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયના આદેશ, ખાનગી કંપનીઓને પણ વર્ક ફ્રોમ હોમ યોજના અપનાવવા સલાહઃ ગઈકાલે પ્રાથમિક શાળાઓ બંધ કરાવાઈ હતી

શિયાળો શરૂ થતાં જ દિલ્હીમાં પ્રદૂષણનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી એર ક્વોલિટી સતત બદતર રહેતાં અને આજે શુક્રવારે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં નોંધાતાં, દિલ્હી સરકારે 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ પાઠવી દીધાં છે. એટલું જ નહીં, ખાનગી કંપનીઓને પણ આવું કરવાની સલાહ આપવામાં આવી છે.

પડોશી રાજ્યોના ખેતરોમાં શેરડીની પરાળો બાળવા ઉપરાંત અન્ય કેટલાક કારણોસર દિલ્હીમાં દર શિયાળે પ્રદૂષણ માઝા મુકે છે. ચાલુ વર્ષે પણ શિયાળો શરૂ થતાં જ દિલ્હીની હવા એક હદ સુધી પ્રદૂષિત થઈ છે. વાતાવરણ ઝેરી બની ગયું છે અને શ્વાસ સંબંધી રોગોમાં ઉછાળો આવી ગયો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે કરેલા પ્રયાસો વિફળ દેખાઈ રહ્યાં છે ત્યારે પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસની સાથે જ તેની અસરથી બચવાના ઉપાયો શરૂ કરી દેવાયા છે.

ગઈકાલે સરકારે દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓ બંધ કરવાના હુકમ જારી કર્યાં હતાં. સાથે જ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઉટડોર પ્રવૃત્તિઓ બંધ રાખવાનું ફરમાવાયું હતું. ત્યારે આજે દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે નવા ફરમાન જારી કર્યાં છે. જેમાં સરકારના 50 ટકા કર્મચારીઓને ઓફિસે નહીં આવવા અને કામ ઘરેથી કરવા એટલે કે વર્ક ફ્રોમ હોમ કરવા આદેશ કરાયા છે. રાયે વધુમાં ખાનગી કંપનીઓને પણ એવી સલાહ આપી છે કે તેઓ પણ પોતાના કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો