જૂનાગઢમાં ભારે વરસાદના કારણે બે માળની ઇમારત ધરાશાયી:4નાં મોત
ગુજરાતના જૂનાગઢમાં ભારે વરસાદ વચ્ચે એક કરુણ અકસ્માત સર્જાયો છે જેમાં એક ઈમારત ધરાશાયી થવાને કારણે ચાર લોકોના મોત થયા છે આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને NDRF પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે.
શહેરમાં મુશળધાર વરસાદને કારણે કડિયાવાડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટનાને પગલે પોલીસ, NDRF અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ દરમિયાન ચાર મૃતદેહો મળી આવ્યા હતા જેમાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત બે બાળકો અને તેના પિતાનો સમાવેશ થાય છે. જેમાં રિક્ષા લઈને શાકભાજી લેવા નિકળેલા પરિવારના બે બાળકો અને પિતાનું મોત થયું છે. જ્યારે અન્ય ચાની દુકાન ચલાવતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી છે. એક અધિકારીએ જણાવ્યા મુજબ કાટમાળ એટલો બધો હતો કે તેને હટાવવા માટે બુલડોઝરની મદદ લેવી પડી હતી. સ્થનિકોના જણાવ્યા મુજબ બે માળની આ ઈમારત ખુબ જ જર્જરિત હાલતમાં હતી.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ-જૂનાગઢમાં વરસાદ બંધ થયો હોવા છતાં પાણી ભરાવાથી મુક્તિ મળી છે. પરંતુ જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.