ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા તૈયારી, આજે સંભવતઃ જાહેરાત
સમાન નાગરિક સંહિતાનો ભાજપનો એજન્ડા વર્ષો જૂનો, હવે વિધાનસભા ચૂંટણી પૂર્વે દાવ ખેલી શકેઃ હાઈકોર્ટના નિવૃત્ત જજની બનેલી સમિતિ વિવિધ પાસાઓને તપાસ રિપોર્ટ સોંપશેઃ ગુજરાત સરકારની આજની અંતિમ કેબિનેટમાં સમિતિના ગઠનનો પ્રસ્તાવ રજૂ કરાશે, ગૃહ રાજ્યમંત્રી સંઘવી જાહેરાત કરી શકે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે એક મોટી રાજકીય હલચલના સમાચારો મળી રહ્યાં છે. ભાજપે જેને વર્ષોથી પોતાના ચૂંટણી એજન્ડામાં સામેલ કર્યો હતો તે સમાન નાગરિક સંહિતાનો પ્રસ્તાવ આજે રાજ્ય સરકારની અંતિમ કેબિનેટમાં પસાર થવા જઈ રહ્યો છે. હકીકતમાં આજની કેબિનેટમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની બનેલી એક સમિતિનું ગઠન કરાશે જે સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાના પાસાઓની તપાસ બાદ સરકારને રિપોર્ટ સોંપશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેબિનેટની બેઠક બાદ આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરે તેવી ચર્ચા છે.
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા ભાજપનો વર્ષો જૂનો એજન્ડા છે. તમામ ધર્મ-સમુદાયના નાગરિકો માટે એકસમાન કાયદો, લગ્ન-છૂટાછેડા ઉપરાંત દત્તક લેવાના નિયમો, ઉત્તરાધિકાર, વારસા, જમીનની ભાગ-બટાઈ જેવી અનેક પ્રક્રિયામાં પણ એક જ કાયદો અમલી બનશે. ભાજપ દ્વારા આ કાયદાના અનેક લાભો દર્શાવાયા છે પરંતુ વિપક્ષ તેના ઢગલાબંધી ગેરફાયદાઓ પણ ગણાવી ચુકી છે. ત્યારે સ્વાભાવિક રીતે તેનો ઉગ્ર વિરોધ થવાની શક્યતા નકારી શકાતી નથી.
ગુજરાતની ચૂંટણીની વાત કરીએ તો ભાજપનું પલ્લું ભારે તો છે પરંતુ આમ આદમી પાર્ટી ખાસ્સી હેરાન કરી રહી છે. કોંગ્રેસની કોઈ ખાસ ગણતરી નહીં કરાય તો પણ વોટ શેરીંગમાં ભાજપને મોટું નુક્સાન પહોંચાડે તેમ છે. તો બીજી તરફ અત્યાર સુધીના ભાજપની ચૂંટણીલક્ષી રાજનીતિ ખાસ પ્રભાવી રહી નથી અને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે સુધી પહોંચવા માંડી છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડનો દાવ ભાજપને ખાસ્સો ફાયદો કરાવી જાય તેવી ગણતરી રાજકીય પંડિતોએ માંડવી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે ભાજપ શાસિત ગુજરાત સરકારની કેબિનેટની અંતિમ બેઠક છે અને તેમાં પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. જેમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાના વિવિધ પાસાઓને તપાસવા માટે એક સમિતિ બનાવવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત જજ આ સમિતિનું નેતૃત્વ કરશે અને તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ તેને લાગુ કરવાની વિચારણા હાથ ધરાશે. નોંધનીય છે કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ભાજપે સત્તા બાદ ઉત્તરાખંડમાં આ કાયદો લાગુ સુદ્ધાં કરી દીધો છે.