કોઈપણ દુઃખાવાનો અક્સીર ઈલાજ, ઈલ માછલીના હાડકાં
વીજળીનો શોક આપતી ઈલ માછલીની કરોડરજ્જુના હાડકામાંથી હાથ-ગળામાં પહેરવા માટેના તાવીજનું વેચાણઃ તે જીવિત હોય ત્યારે 600 વોટ સુધીનો કરન્ટ મારી મગરમચ્છને પણ મોતને ઘાટ ઉતારી દે છેઃ હાડકામાં મેગ્નેટ જેવી વિશેષતા હોવાને કારણે કોઈપણ દુઃખાવા ગણતરીના કલાકોમાં દૂર થઈ જતાં હોવાનો દાવો
દુઃખાવો માનવજીવનમાં ખૂબ સામાન્ય થઈ ગયો છે. હાથ, પગ, માથું, કમર જેવા શરીરના વિવિધ અવયવોમાં એક યા અનેક કારણોસર દુઃખાવો થતો હોય છે, જે દર્દીની સ્થિતિ દયનીય કરી નાંખે છે. ઘરગથ્થુ, આયુર્વેદ કે એલોપથી ઉપરાંત અનેક પ્રકારના ઈલાજો આ દુઃખાવાને ડામવા માટે લોકોમાં પરિચિત છે. પરંતુ માછલીના હાડકાથી દુઃખાવાની સારવાર વિષે અનેક લોકો જાણતાં નથી. કે પછી જે પ્રકારનો દાવો થઈ રહ્યો છે તે સાચો છે કે ખોટો તેને પણ હજુ ખાસ સમર્થન મળ્યું નથી.
ઉપયુક્ત તસવીરમાં દેખાય છે તે રીતે કેટલાક ફેરિયાઓ આ પ્રકારની વસ્તુઓ વિવિધ સ્થળોએ વેચતા જોવા મળે છે. અલબત્ત તેઓ સતત એક સ્થળે રહેતાં નથી, સતત ફરતાં રહે છે. આ પૈકીના મોટાભાગના ફેરિયાઓ બંગાળના હોવાનું પણ જાણવા મળ્યું છે. કિશન નામનો એક ફેરિયો સુરતના હનીપાર્ક રોડ નજીક તાવીજ પ્રકારની આવી વસ્તુઓ વેચતો જોવા મળ્યો હતો.
કિશને જણાવ્યું કે આ તમામ તાવીજ ઈલ માછલીની કરોડરજ્જુના હાડકામાંથી બનાવેલા છે, જે કોઈપણ દુઃખાવાને ગણતરીના કલાકોમાં જ ડામી દેવામાં સક્ષમ છે. આવા તાવીજ હાથ, ગળા કે પગમાં પહેરવાના હોય છે. રૂ. 50થી શરૂ કરીને રૂ. 250 સુધીના આ તાવીજ શહેરભરમાં અનેક સ્થળોએ હરતા ફરતા તેઓ વેચતા હોય છે.
ઈલ માછલી વિષે જાણકારી પ્રાપ્ત કરી તો એવી આશ્ચર્યજનક માહિતી સાંપડી કે મીઠા-ખારા પાણીમાં રહેતી ઈલ માછલી સાપ જેવા દેખાવની લાંબી અને ક્યારેક આઠ ફૂટ જેટલી લંબાઈની હોય છે. પાણીમાં તે અન્ય નાની માછલીઓનું ભક્ષણ કરીને પેટ ભરે છે, શ્વાસ માટે તેણે પાણીની સપાટી ઉપર આવવું પડે છે. દેખાવ ઉપરાંત કુદરતે તેને એક વિશેષતા એવી આપી છે કે તે વીજળી જેવો કરન્ટ મારી શકે છે. નાની માછલીઓને તે કરન્ટથી મોતને ઘાટ ઉતારી દીધાં બાદ તેને ખાઈ જાય છે.
વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન મુજબ ઈલ માછલી 300થી લઈને 600 વોટ સુધીનો કરન્ટ મારી શકે છે જે કોઈપણ માનવીને મોતને ઘાટ ઉતારવા સક્ષમ છે. એટલું જ નહીં, ઈલ માછલી મગરમચ્છને પણ કરન્ટથી મોતને ઘાટ ઉતારી શકે છે. જેથી આ વિશેષતા મુજબ એવું માનવામાં આવે છે કે તેની કરોડરજ્જુના હાડકામાં મેગ્નેટ જેવી વિશેષ શક્તિ હોય છે અને તેને પહેરવાથી દુઃખાવાનો સટિક ઈલાજ થઈ શકે છે. ઈલ માછલીના માંસમાંથી વિશેષ પ્રકારનું તેલ ઉપરાંત અન્ય કેટલીક ઔષધિઓ પણ બનાવવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે.
ઈલ માછલી વિષે એવી પણ માહિતી છે કે કેટલાક દેશોમાં લોકો તેને ભોજનમાં આરોગે છે. ઈલનો ઉછેર અને તેની કાળજી ખૂબ જ મોંઘી પૂરવાર થતી હોવાથી તેના વેચાણનો ભાવ પણ ખૂબ ઊંચો હોય છે. એવું પણ જાણવા મળ્યું છે કે જાપાનમાં થોડા વર્ષો પૂર્વે જ ઈલ માછલીની અછતને કારણે તેના ભાવો ખૂબ વધી ગયેલા જે જાપાનમાં વેચાતા સોના કરતાં પણ વધુ હતાં. કેટલાક દેશોમાં ચોક્કસ પ્રસંગોએ ઈલનું માંસ ખાવાની પ્રથા પણ છે. અલબત્ત ઈલ માછલીના હાડકાથી દુઃખાવાનો ઈલાજ ચોક્કસ થાય જ છે તેને હજુ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ નજીવી કિંમતે આ તાવીજ પહેરી ચકાસણી કરવામાં કોઈ મોટું નુક્સાન પણ નથી, એવું કહી શકાય.