ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તૂટી પડતાં 36 મજૂરો ફસાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારની સવારે એક નિર્માણાધીન ટનલ તૂટી પડતાં આશરે 36 મજુરો ફસાયા છે. આ દુર્ઘટના રવિવારે વહેલી સવારે 4 વાગ્યે સર્જાઈ હતી. હાલમાં ટનલની અંદર ઓક્સિજન સપ્લાય શરૂ કરીને બાચવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, ફસાયેલા મજુરોને બહાર કાઢવામાં 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે.
ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ ટનલનો 50 મીટરનો ભાગ અંદર તુટી પડ્યો છે. જે ભાગમાં ટનલ પડી છે તે ભાગ ટનલના સ્ટાર્ટિંગ પોઈન્ટથી લગભગ 200 મીટર અંદર છે. NDRF, SDRF, ફાયર બ્રિગેડ, નેશનલ હાઈવેના લગભગ 156 લોકો બચાવ કાર્યમાં લાગેલા છે. કાટમાળને કાપવા માટે વર્ટિકલ ડ્રિલિંગ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટનલમાં ફસાયેલા મોટાભાગના મજુરો ઉત્તર પ્રદેશ અને બિહારના હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનિય છે કે, આ ટનલ બ્રહ્મકમલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને ડંડલગાંમ વચ્ચે બનાવવામાં આવી રહી છે. આ ટનલ 4 કિમી લાંબી અને 14 મીટર પહોળી છે. આ ઓલ-વેધર ટનલ ચાર ધામ રોડ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે. તેના નિર્માણ બાદ ઉત્તરકાશી અને યમુનોત્રી ધામ વચ્ચેનું અંતર 26 કિમી ઘટી જશે.