PM મોદી કરશે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રામ લાલાને 22 જાન્યુઆરી, 2024ના રોજ ગર્ભગૃહમાં બેસાડવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
અયોધ્યાના રામ મંદિરને ડિસેમ્બર મહિના સુધીમાં આખરી ઓપ આપવામાં આવશે. રામલલાની પ્રતિમા કર્ણાટકના મૈસૂરથી લાવેલા પથ્થરોમાંથી બનાવવામાં આવી રહી છે જ્યારે રામલલાની બીજી મૂર્તિ પણ રાજસ્થાનના મકરાણાના આરસમાંથી બનાવવામાં આવી રહી છે. મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર છે. મંદિરના ઉદ્ઘાટન બાદ મંદિર તમામ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. આ મંદિરમાં 42 દરવાજા લગાવવામાં આવશે. મંદિરના ગર્ભગૃહમાં એક નાનો સોનાનો દરવાજો પણ સ્થાપિત કરાશે જેના પર મોર, કળશ, ચક્ર અને ફૂલોની કોતરણી કરવામાં આવશે તેમજ ગર્ભગૃહમાં ભગવાન રામની બે બાળ સ્વરુપ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. તેમાંથી એક મૂર્તિ જંગમ અને બીજી સ્થાવર હશે જ્યારે ગર્ભગૃહની દિવાલો પર સફેદ આરસપહાણ લગાવવામાં આવશે.