અમદાવાદના સ્ટેડિયમમાંથી નરેન્દ્ર મોદીનું નામ દૂર કરી, ફરી સરદાર સ્ટેડિયમ કરાશેઃ કોંગ્રેસ
કોંગ્રેસે ગુજરાત માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, મુખ્ય 8 વચનો હાઈલાઈટઃ રૂ. 500માં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વિજળી ફ્રી, દીકરીઓને મફત શિક્ષણ, ખેડૂતોની દેવામાફી અને વિજળી બિલ પણ માફ કરવા સહિતના ઢગલેબંધ વચનોઃ 18 હેડ હેઠળ વિવિધ વિષયો માટે વાયદાઓ કર્યા
કોંગ્રેસ સત્તામાં આવશે તો અમદાવાદ સ્થિત ક્રિકેટ સ્ટેડિયમથી નરેન્દ્ર મોદીનું નામ દૂર કરી તેને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામ આપશે તેવું વચન આપ્યું છે. કોંગ્રેસે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022, બનશે જનતાની સરકાર’ નામથી પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલાં 8 વચનોને મુખ્ય સ્થાન અપાયું છે, જેમાં ખેડૂતોના દેવા માફ કરવા, 500 રૂપિયામાં ગેસ-સિલિન્ડર, 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવા સહિતના 8 વચનો આપવામાં આવ્યા છે. અગાઉ કોંગ્રેસે ભાજપ માટે 21 મુદ્દાનું આરોપનામુ જાહેર કર્યું હતું અને હવે આજે સત્તાવાર ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
ગૃહિણીઓના હેડમાં વચનમાં રૂ. 500માં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વિજળી ફ્રી ઉપરાંત સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની બહાલીનો સમાવેશ કરાયો છે. શિક્ષણ માટેના હેડમાં દીકરીઓની KGથી PG સુધી મફત શિક્ષણ, 3000 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા ઉપરાંત આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનાનું વચન છે. યુવાનો માટેના હેડમાં 10 લાખ નોકરીઓ, કોન્ટ્રાક્ટ પ્રથાની સંપૂર્ણ નાબૂદી અને બેરોજગારોને રૂ. 3000ના ભથ્થાનું વચન આપ્યું છે. કોરોના પીડિતો માટેના હેડ હેઠળ કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોના પરિજનોને રૂ. 4 લાખની સહાય આપવા ઉપરાંત આધુનિક સુવિધાઓથી સજ્જ નવી સરકારી હોસ્પિટલો શરૂ કરવાનો વાયદો કરાયો છે.
આરોગ્ય હેડ હેઠળ દરેક ગુજરાતીને રૂ. 10 લાખ સુધીની મફત સારવાર ઉપરાંત કિડની, લિવર અને હૃદયના મફત ટ્રાન્સ્પ્લાન્ટ ઉપરાંત મફત દવાઓનું વચન છે. ખેડૂતો માટેના હેડ હેઠળ ખેડૂતોના રૂ. 3 લાખ સુધીના દેવા માફ કરવાનું વચન છે જ્યારે ખેડૂતોના વિજળી બિલ પણ માફ કરવા સાથે દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર રૂ. 5ની સબસિડીનો વાયદો કરાયો છે. સુરક્ષિત ગુજરાત માટેના હેડ હેઠળ ડ્રગ્ઝ માફિયાઓ સામે કડક કાર્યવાહી, લઠ્ઠાકાંડમાંથી મુક્તિ-ગુનેગારોને જેલ તેમજ અન્ય જવાબદારો સામે કડક કાર્યવાહીનું વચન અપાયું છે.
સામાજિક ન્યાય માટેના હેડમાં શહેરી વિસ્તારોમાં શહેરી રોજગાર ગેરેન્ટી યોજના લવાઈ છે. ઉપરાંત ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર રૂ. 8માં ભોજનની વ્યવસ્થા કરવાનું વચન છે. આદિવાસીઓને કોંગ્રેસે PESA કાયદાના સંપૂર્ણ અમલની ખાતરી આપી છે અને તેના દ્વારા તેમને જંગલની જમીનનો અધિકાર આપવાનું વચન ચૂંટણી ઢંઢેરા દ્વારા આપવામાં આવ્યું છે.